Monday, February 4, 2013

“કેટલાક તો મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે.”

આ જીવનસૂત્ર શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીએ “સ્વામીની વાતો” માં આપ્યું છે. સંવત 1841 અષાઢ માસની પૂનમના દિવસે શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. આ દિવસની ખુશીમાં આત્મીય વિદ્યા મંદિરમાં એક અઠવાડિયું શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીનું જીવન ચરિત્ર્ય અને સંદેશ વિદ્યાર્થીઓના મૂલ્યોમાં વૃદ્ધિ સ્વરૂપે ઊજવવામાં આવ્યું હતું. આ ઉપલક્ષમાં સુહૃદમ હાઉસના ભૂલકાંઓએ એક સુંદર નાટક રજૂ કર્યું હતું. જેનું શીર્ષક હતું – कह दो अपने आप से, मुझे बनना है गुणातीत जैसा।


જેમાં બાળકોને શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીની એકાવધાનીના દર્શનની ઝાંખી સહજ થઈ.
નાટકની શરૂઆત બે વિદ્યાર્થીઓના હસી-મજાકથી થાય છે. ત્યારબાદ પરીક્ષાનો સમય નજીક આવે છે. તે વિદ્યાર્થી પરીક્ષાના સમયે અત્યંત મૂઝવણમાં હોય છે. તે એકાગ્રતાથી વાંચી શકતો નથી, તેનું મન તેનું કહ્યું માનતું નથી. આમ, તેને અભ્યાસમાં અત્યાધિક વ્યવધાન ઉત્પન્ન થાય છે. આવી પરિસ્થિતિની અંદર તેને ભૂતપૂર્વની શાળા યાદ આવે છે, ત્યાંની સર્જનાત્મક પ્રાર્થનાસભા (ક્રિયેટીવ એસેમ્બલિ) યાદ આવે છે, ત્યાંના શિક્ષકો અને હાઉસ માસ્ટરની સંભાળ તથા સલાહ યાદ આવે છે. અને તેથી તેની આંખ અશ્રુભીની થાય છે. ત્યારબાદ તે પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પ્રવચનની C.D. જુએ છે. સ્વામીજીની અમૃતવાણીથી તેને બળ મળે છે. અને તેના પૂર્વાશ્રમના શિક્ષકને રાત્રે 1:30 કલાકે ફોન કરે છે અને પોતાની મૂંઝવણ જણાવે છે. 

        શિક્ષક તેને સાંત્વના આપે છે અને આશ્વાસન આપતા શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીના જીવન પ્રસંગ દ્વારા પરોક્ષ રીતે શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીની એકાવધાનીના દર્શનની ઝાંખી કરાવે છે. અને ગુણાતીતાનંદ સ્વામીજીની એક બીજી વાત પણ કરે છે કે “નિરંતર સર્વ ક્રિયામાં પાછું વળી વળીને જોવું જે મારે ભણવું છે, ને હું શું કરું છું.” આમ, તેઓ તેને સમજાવે છે કે આપણે જીવનમાં ઘણીવાર રસ્તો ભટકી જઈશું, વિટંબણામાં અટવાઈ જઈશું, તેવા સમયે આપણી પાસે કોઈ ન હોતા આવી પરિસ્થિતિમાં આપણા સાચા સલાહકાર, આપણા સાચા માર્ગદર્શક “સ્વામીની વાતો” જ છે. આ “સ્વામીની વાતો” આજે આપણને અભ્યાસના સમયે, મોટા થઈને બિસ્નેઝ તથા નોકરીના સમયે તથા વૃદ્ધાવસ્થાના સમયે અર્થાત આજીવન જીવનની તમામ સમસ્યાઓ, મુશ્કેલીઓ તથા દુવિધાઓના સમયે કામ આવે છે. તેમાં આપણી સઘળી સમસ્યાઓનું સમાધાન સમાયેલું છે. 

આમ, વિદ્યાર્થી શિક્ષકની વાતોથી અને શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીના જીવન પ્રસંગથી તે સમજી જાય છે અને પોતે ભટકેલા માર્ગેથી પાછો વળે છે. અને ગુણાતીતાનંદ સ્વામીજીના રાહચિંધ્યા માર્ગે ચાલવાનું નક્કી કરે છે. આમ તેની તમામ મૂંઝવણોનું નિરાકરણ થતાં તે શાંત થાય છે અને તે ખૂબ જ એકાગ્રતાથી વાંચી શકે છે.

અંતમાં તે વિદ્યાર્થી સર્વે વિદ્યાર્થી મિત્રોને એક સંદેશ પાઠવે છે કે ‘આજથી આપણે બધા એક નિયમ લઈશું કે દરરોજ રાત્રે “સ્વામીની વાતો” માંથી એક કે બે વાતો વાંચીને જ સૂઈ જઈશું. સ્વામીની વાતો જ આપણા સાચા અને સારા મિત્રો છે. दोस्तो,..आजसे हम बंदर नहि बनेंगे...कह दो अपने मन को... कह दो अपने आप से ... “मुजे बनना है गुणातीत जैसा।”


લેખક - ગૌતમ સર

No comments: