Thursday, September 4, 2014

ગણેશ ચતુર્થી: વિઘ્નહર્તા દેવની આરાધનાનો અવસર



વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ:
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ।।


અર્થાત્ : જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારા વિઘ્ન હરે.

શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તાના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા મહિનાના શુક્લ પક્ષના ચોથના દિવસને ગણેશ ચતુર્થીની શરૂઆત થઈને અનંત ચૌદશ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ગણેશજીની આ પવિત્ર ઘડીને ઘણી શ્રદ્ધા અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે.

ગણેશ ચતુર્થીના શુભ દિવસને ગણેશ ભગવાનનો જન્મદિવસ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં કોઈ શુભ કાર્યને નિર્વિઘ્નપૂર્વક કરવા માટે સૌ પ્રથમ ગણેજીની વંદના કરીને કાર્ય કરવામાં આવે છે. ગણેશજીનું સર્જન માતા પાર્વતીએ કર્યું હોવાથી તે શિવ અને પાર્વતીના પુત્ર કહેવાય છે. ગણેશજીના કુલ 108 જુદા જુદા નામ ગણવાયા છે પરંતુ તેમાંથી ૧૨ નામ મુખ્ય છે -
સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.


દર વર્ષની જેમ આ વર્ષે આત્મીય વિદ્યા મંદિરમાં તારીખ 29-08-2014 ના દિવસે સાંજે 4:30 કલાકે શુભ ચોઘડિયામાં ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના પ્રાર્થના મંદિરમાં કરવામાં આવી હતી. ગજાનનનું સ્થાપના પૂજન યજમાન શ્રીમાન તેજસ સર તથા તેમના ધર્મપત્ની દિપ્તી બેન દ્નારા કરવામાં આવ્યું હતું. ગણેશજીની પૂજન વિધિ આત્મીય વિદ્યા મંદિરના શિક્ષક શ્રી પુષ્પક જોશી દ્વારા અત્યંત ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી હતી. આમ સતત પાંચ દિવસ સુધી ગણેશ ભગવાનનું પૂજન, આરતી ઈત્યાદિ ઘણી શ્રદ્ધાન્વિત અને હર્ષાત્મક રીતે કરવામાં આવ્યું હતું.

અંતે તારીખ 02-09-2014ના રોજ વિદાયની ઘડી આવી. સાંજના 4:30 કલાકે વિજયભાઈ અને તેમના ધર્મપત્ની પૂનમ બહેન તથા બંકિમ સર અને તેમના ધર્મપત્ની તૃષા બહેન દ્વારા વિઘ્નહરતા ગજાનનની પૂજા, આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ આત્મીય વિદ્યા મંદિરના પટાંગણમાં ઝરમર-ઝરમર વરસતા વરસાદમાં ગણેશજીનો વરઘોડો ખૂબ ધૂમધામથી ફેરવવામાં આવ્યો હતો. જેમાં સૌ ભૂલકાંઓએ અત્યંત ઉત્સાહ પૂર્વક ગણેશજીના સૂત્રોચ્ચાર કરીને સમગ્ર વાતાવરણને આનંદવિભોર કરી દીધું હતું. ત્યારપછી ભક્તિપૂર્ણ હૃદયે શ્રીગણેશ ભગવાનની વિદાય વિધી કરી.
ૐ શ્રી ગણેશાય નમ:
લેખક: ગૌતમ સર

No comments: