Saturday, December 13, 2014

આત્મીય યુવા મહોત્સવના તેડાં

न गुरु: अधिकं तत्वं, न गुरु: अधिकं तप:।
न गुरु: अधिकं ज्ञानं, तस्मै श्रीगुरुवे नम:।।

અર્થાત્: ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક કોઈ તપ નથી; ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર.

પરમ પૂજ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી આત્મીય વિદ્યા મંદિરના ભૂલકાંઓને આશીર્વચન આપવા અવારનવાર આત્મીય વિદ્યા મંદિરમાં પધારે છે. જ્યારે જ્યારે સ્વામીજી આત્મીય વિદ્યા મંદિરમાં પધારતા હોય છે તે દિવસનું વાતાવરણ દિવ્ય, અનેરું તથા અલૌકિક જોવા મળે છે. તેમાં આ વખતે ભૂલકાંઓને તથા આત્મીય પરિવાર જનોને આત્મીય યુવા મહોત્સવનું આમંત્રણ આપવા તારીખ 12/12/2014ને શુક્રવારના રોજ સ્વામીજી પોતે પધાર્યા હતા. 


આંગણીયે શુકનવંતા પગલે લાગણીઓ પથરાય જાય છે,
આવા અવસર ઉજવવા માટે ચોઘડીયા ભૂલાય જાય છે.

આત્મીય વિદ્યા મંદિરમાં પણ સ્વામીશ્રીના આગમનથી ભૂલકાંઓ તથા હરિભક્તોના મનમાં આવીજ કંઈક લાગણી જન્મી હતી તથા તેઓ સ્વામીજીના અમૃત વચનોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આવા ભક્તિમય વાતાવરણમાં સભાની શરૂઆત થઈ.

સભાની શરૂઆતમાં તરૂણ સરે શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ સ્વામીશ્રી આગળ ટૂંકમાં રજૂ કર્યો તથા ધોરણ 12 ના સમગ્ર ભૂલકાંઓ વતી તન્મયભાઈ, પાર્થભાઈ અને સચીનભાઈએ પૂજ્ય સ્વામીજી સમક્ષ પોતાની પ્રાર્થના રજૂ કરી આશીર્વાદ પામ્યા. પોતાને દેહે કરીને ઘણી તકલીફો હોવા છતાં તથા તેમના અત્યંત વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ સ્વામીજી આત્મીય વિદ્યા મંદિરનાં ભૂલકાંઓને મળવા આવ્યા હતા. આ દિવસે સ્વામીજીની આનંદમય અમૃતવાણીમાં ભૂલકાંઓ અને ભક્તો ભાવભીના થઈ ગયા હતા. સ્વામીશ્રીએ વિવિધ પ્રસંગો દ્વારા ભલકાંઓને સમજાવ્યું કે આપણી પાંચેય ઇન્દ્નિયોને પૉઝિટિવ રાખવી. તેઓએ સંત સમાગમનું મહાત્મ્ય પણ સમજાવ્યું તથા જીવનમાં સ્વધર્મ પાળવાનું વિશેષ જ્ઞાન આપ્યું. 

કોઈકે સાચું જ કહ્યું છે કે....,
જે કાંઇ થઇ શકે તે કરી લે આ જનમમાં,
આનાથી રૂડો બીજો અવસર નહીં મળે.

આ વાતને સમર્થન આપતા સ્વામીશ્રીએ તેમની પરાવાણીના અંતમાં સૌને આત્મીય યુવા મહોત્સવનું ભાવભીનું આમંત્રણ પાઠવ્યું.
- ગૌતમ સર

No comments: