Thursday, October 31, 2013

પ્રજ્ઞા પ્રવૃત્તિ

સમગ્ર જીવનસૃષ્ટિનો એકમાત્ર જીવનાધાર વરસાદ છે. માણસને જીવવા માટે શ્વાસ પછી બીજું કોઈ મોટું પરિબળ હોય તો તે પાણી છે ! એ પછી અનાજ. ખાધા વગર માણસ પાંચ-પંદર દિવસ ચલાવી શકે પરંતુ પાણી વગર બિલકુલ ન ચાલે !

વેદકાળમાં ઋષિમુનિઓ રાજાને આશીર્વાદ આપતી વખતે સૌથી પહેલા એમ કહેતા કે, કાલે વર્ષતુ પર્જન્ય: અર્થાત, ‘તમારા રાજ્યમાં યોગ્ય સમયે વરસાદ થાઓ.’ વર્ષના આઠ માસ સુધી આકાશી અગનગોળાઓ તપાવ્યા પછી ધીમી ધારે અને ચોમાસાની ઋતુ પૂરબહારમાં ખીલે ત્યારે અનરાધાર વરસતા વરસાદનું મહત્વ વરસાદ ન પડે ત્યારે જ સમજાતું હોય છે.

 
 
 
અષાઢમાં જો મેઘમલ્હાર જામે તો નદીનાળા છલકાવી દે અને કોશે જાય તો ચાંગળુ પાણીએ ન મળે, શ્રાવણમાં જો મેઘો મંડાય તો ખેતર-ખળાને ધાન્યના ઢગલે ઢગલા છલકાવી દે અને જો રૂઠે તો કોઠીનું તળીયું ય દેખાય.

ચોમાસું બેસે ત્યારથી જ ગ્રામજનોની નજર આભ સામે મંડાયેલી રહે છે. ભાદરવામાં કડાકા-ભડાકા સાથે તૂટી પડે એવા વરસાદની આશા ઠગારી નીવડે ત્યારે મૂંગા જાનવરોને ઘાસચારો અને પીવાનું પાણી મળી રહે તેટલા વરસાદની અપેક્ષા રાખે, અને એ પણ વ્યર્થ જાય ત્યારે વરસાદને વિનવવા જાત-જાતના અને ભાત-ભાતના વૈજ્ઞાનિક પ્રયોગો, ઉપાયો કે પરંપરાગત વિધિઓનો આશરો લે છે.

ધાર્મિક આસ્થા ધરાવતા લોકો આવા સમયે પર્જન્યયજ્ઞો કે અખંડધૂનનું આયોજન કરે છે, તો કૃષિ વૈજ્ઞાનિકો વળી કૃત્રિમ વર્ષાના પ્રયોગો કરે છે. ગ્રામ્ય વિસ્તારનો ભોળો, અબુધ, અશિક્ષિત આમઆદમી પણ પોતાની રીતે વરસાદ માગવાના પરંપરાગત પ્રયત્નો કરતો હોય છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદને રીઝવવા માટે આવા અલ્પશિક્ષિત, પછાતવર્ગ દ્વારા થતો પ્રયત્ન એટલે ઢૂંઢિયા બાપજી. આ વિસ્તારમાં સમયસર વરસાદ ન આવે ત્યારે ખાસ કરીને દેવીપૂજક કોમની સ્ત્રીઓ કાળી, ચીકણી માટીની એક મૂર્તિ બનાવીને તેને જાત જાતના વાઘા-શણગાર પહેરાવી એક બાજોઠ ઉપર પધરાવે છે. જેને તેઓ ઢૂંઢિયા બાપજી તરીકે ઓળખે છે. એક સ્ત્રી આ બાજોઠને માથે ઉંચકીને ઢોલ-શરણાઈ સાથે ગામના મહોલ્લે-મહોલ્લે ફરે છે. વરસાદને આર્જવભરી વિનંતી કરતી એ સ્ત્રી મેહુલા તરીક ઓળખાતા ગીતો ગાય છે. અને બીજી સ્ત્રીઓ તે ઝીલે છે. સ્ત્રીઓ ઘેર-ઘેર ફરે ત્યારે તે ઘરની સ્ત્રીઓ બાજોઠ પર બિરાજમાન મૂર્તિ ઉપર લોટો ભરીને પાણી રેડે છે અને અનાજનું યથાશક્તિ દાન કરે છે. પાણીથી ભીંજાયેલી એ સ્ત્રી ગાતી ગાતી આગળ વધે છે. અને પછી ગામની સીમમાં નદી કે તળાવ કાંઠે પેલી મૂર્તિનું વિસર્જન કરે છે. ગામમાંથી એકઠું થયેલું અનાજ પંખીના ચણ માટે વપરાય છે. આમ કરવાથી વરસાદ વરસે છે, એવી આ ગ્રામજનોની માન્યતા છે.

શ્રધ્ધા-અંધશ્રધ્ધાને ઘડીભર કોરાણે મૂકીને સામાન્ય જન દ્વારા પણ કુદરતી સંકટ ટાળવા થતો, આ પરંપરાગત પ્રયત્ન આપણી સંસ્કૃતિનું દર્શન કરાવી જાય છે.

આત્મીય વિદ્યા મંદિરના ધોરણ 5 ના નાના-નાના ભૂલકાઓને આ લુપ્ત થતી સંસ્કૃતિનું દર્શન પ્રજ્ઞા પ્રવૃત્તિ દ્વારા કરાવવામાં આવ્યું હતું.
 
પ્રેરણા: ગૌતમ સર

No comments: