Tuesday, January 14, 2014

આવી આવી આવી રે... ઉત્તરાયણ આવી



આવી આવી આવી રે... ઉત્તરાયણ આવી,
તલસાંકળી, ચીકીને મમરાના લાડુ,
અને
ચટાકેદાર ઊંધિયાની સોડમ સાથે લાવી.
આવ્યો સંક્રાતિનો અવસર આ રૂડો,
સાચવીને મિત્રો ! તહેવારનો તમે આનંદ લૂંટો.
સૂરજદાદાના ગુણકારી કિરણો સાથે લાવી,
આવી આવી આવી રે... ઉત્તરાયણ આવી.

હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય થોડો ઉત્તરની તરફ ઢળે છે. આથી આ કાળ કે સમયને ઉત્તરાયણ કહે છે.



હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. વેદો અને પુરાણોમાં પણ આ દિવસનો ઉલ્લેખ જોવા મળે છે. દિવાળી, હોળી, શિવરાત્રી  અને અન્ય તહેવાર સાથે વિશેષ કથાઓ જોડાયેલી છે અને આ બધાં જ તહેવાર અંગ્રેજી મહિના અનુસાર ન આવતા હિંદુ માસ અને તિથિ મુજબ આવે છે જ્યારે મકરસંક્રાંતિ એ એક ખગોળીય ઘટના છે અને જેનાથી જડ અને ચેતનની દિશા અને દશા નક્કી થાય છે. આ તહેવાર એવો છે કે જે અંગ્રેજી મહિના મુજબ ૧૪ જાન્યુઆરીએ આવે છે. ૧૪ જાન્યુઆરી પછી કમુરતાં પૂરાં થઈને લગ્નસરાની મોસમ શરૂ થાય છે.

સૂર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ તથા ઉત્તર તરફની ગતિને જ ઉત્તરાયણ કે મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના પર્વનું ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઘણું મહત્વ છે. મકરસંક્રાંતિ સમગ્ર ભારતમાં ઊજવવામાં આવે છે. જોકે દરેક પ્રદેશમાં તેનું અલગ-અલગ નામ છે અને ઉજવણીની રીતો પણ જુદી-જુદી છે.

આ વર્ષે આત્મીય વિદ્યા મંદિરના ધોરણ 5 ના નાના-નાના ભૂલકાંઓને મકરસંક્રાંત્તિ(ઉત્તરાયણ)ના પર્વનું ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક દ્વષ્ટિનું મહત્વ સમજાવવામાં આવ્યું. તથા પતંગ ચગાવવાની વિવિધ કળાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. જેમ કે પતંગ ખરીદવા, માંજો પાવો, પતંગને કિન્ના બાંધવી, પતંગને ઊંચે આકાશમાં ચગાવી ગુલાંટ મરાવવી, ઢીલ આપવી, ખેંચ મારવી અને બીજાના પતંગને કાપવો વગેરે કળાઓ શીખવવામાં આવી. ત્યારબાદ પતંગ ચગાવતી વખતે રાખવમાં આવતી સાવચેતીઓ જેમકે પતંગ ચગાવતાં પહેલા આંગળીઓને મેડીકેટેડ ટેપ લગાવવી જોઈએ, વીજળીના તારને દોરી અડે નહિ એ રીતે પતંગ ચગાવવા, લીસી, ખરબચડી, તૂટેલી અને નબળી અગાસી/છત કે ધાબા પર ઊભા ન રહેવું જોઈએ, જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવું ન જોઈએ, પતંગ ચગાવતી વખતે એ પણ ધ્યાન રાખવું કે તમારો આનંદ તમારા માટે કે બીજાના માટે જોખમ ન બને વગેરે વિશે વિશેષ ધ્યાન દોરવામાં આવ્યું હતું. આમ, બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક  ભાગ લીધો અને પતંગ ચગાવવાની મજા માણી.

હેપ્પી ઉત્તરાયણ....
પ્રેરણા: ગૌતમ સર

No comments:

Post a Comment